અમદાવાદમાં હત્યાની કોશિશના ગુનામાં જેલમાં બંધ કુખ્યાત રબડી અને બંબઇયાની ઘાતક હથિયારો સાથેની રીલ્સ વાઇરલ
અમદાવાદના નારોલમાં એક યુવક પર થયેલા જીવલેણ હુમલાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ રબડી અને બંબઇયાની સોશિયલ મીડિયા પરની રીલ્સ વાઇરલ થઈ રહી છે, જેમાં તે હથિયારો લઈને દુશ્મનોને ખુલ્લી ચેતવણી આપતો હોવાનું જોવા મળી રહ્યુ છે. જોકે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને અત્યારે જેલમાં છે. આ અંગે નારોલ પીઆઈ રામદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આરોપી અત્યારે જેલમાં છે. આ વીડિયો અગાઉના છે અને અન્ય વિસ્તારના છે.
પોતાના દુશ્મનોને ખુલ્લેઆમ ચેતવણી શહેરના શાહઆલમ વિસ્તારમાં આવેલી મુસામિયાની ચાલીમાં રહેતા મોહંમદ કલીમખાન પઠાણે નારોલ પોલીસ સ્ટેશનમાં સાજિદ ઉર્ફે રબડી, રાજા, રાસીદ અને મોહસિન ઉર્ફે બંબઇયા વિરુદ્ધ હત્યાની કોશિશ તેમજ કાવતરાની ફરિયાદ કરી હતી. પોલીસે આ હુમલાના કેસમાં રાશિદ અને સલમાન નામના યુવકની ધરપકડ કરી લીધી છે. રાશિદની ધરપકડ બાદ તે કેટલો ખતરનાક છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. રાશિદને ભાઈ બનવાના અભરખા છે, જેના કારણે તે અવારનવાર તલવાર, છરીઓ લઈને સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી રહ્યો છે અને પોતાના દુશ્મનોને ખુલ્લેઆમ ચેતવણી આપી રહ્યો છે. આ સિવાય કલીમખાન પર હુમલાનું ષડયંત્ર રચનાર દગાબાજ દોસ્ત મોહસિનના પણ હથિયાર સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

