બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ થકી બાળકોની સર્જનાત્મકતા, ઈનોવેશન અને વૈજ્ઞાનિક વિચારશક્તિને મળ્યો નવો મંચ
પર્યાવરણથી લઈ ટેક્નોલોજી સુધી બાળ વૈજ્ઞાનિકોના સર્જનાત્મક અને નવીન મોડેલોએ સૌનું ધ્યાન ખેંચ્યું
તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી પેઢીમાં સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક અભિગમ વિકસાવવા માટે “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM”ની થીમ હેઠળ આજે ડોલવણ તાલુકાના વિનોબા આશ્રમ શાળા, ગડત ખાતે જીલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૫-૨૬ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) તાપી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તેમજ બીઆરસી ભવન ડોલવણના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રુષિભાઈ ગામીતના હસ્તે કરવામાં આવ્યો.
આ પ્રદર્શન હેઠળ તાપી જિલ્લાના વિવિધ શાળાઓમાંથી પસંદ કરાયેલા ૧૧૦ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા કુલ ૫૫ નવા અને સર્જનાત્મક મોડેલો રજૂ કરાયા હતા.
વિદ્યાર્થીઓએ પર્યાવરણ સંરક્ષણ, રીન્યુએબલ એનર્જી, ટેક્નોલોજી ઈનોવેશન, સ્વચ્છતા, ટકાઉ કૃષિ, પ્રાકૃતિક ખેતી જેવા વિષયો પર આધારીત મોડેલો રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.આ પ્રયોગોએ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક વિચારશક્તિ, સર્જનાત્મકતા અને ઈનોવેશન ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શનનું નિરીક્ષણ કરવા આવેલા શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે હતું કે“બાળ વૈજ્ઞાનિકોના આવા પ્રયોગો બાળકોમાં STEM (સાયન્સ,ટેકનોલોજી,એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યેનો રસ વધારી ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પ્રેરણાદાયી છે.”
કાર્યક્રમમાં ડોલવણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, ખેતીવાડી અને સિંચાઈ વિભાગના ચેરમેન શ્રીમતી વસંતીબેન પટેલ, આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ડોલવણના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાકેશ ગામીત, કેવિકે વ્યારાના વડા ડૉ. સી.ડી. પંડયા, બીઆરસી ડોલવણના શ્રી હિમાંશુ ચૌધરી, તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ, આગેવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.