સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ સહિત વિવિધ સરકારી સેવાનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ



દેશના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની શ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવરથ પહોંચનાર છે. તાપી જીલ્લામાં કરવામાં આવનારી જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે તા.૦૭ નવે. થી ૧૩નવે. દરમિયાન જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૫ રથયાત્રા યોજાનારી છે. આ બાબતે અધિક નિવાસી કલેકટર આર.આર બોરડના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ ગૌરવ રથ અંતર્ગત ડોલવણ ખાતે તા.૦૯ નવે. અને રવિવારના રોજ રથ તાપી ખાતે આવી પહોચશે ત્યારે બાદ જેસીંગપુરા, વ્યારા, સોનગઢ, ભાડ્ભુન્જા, ઉચ્છલ, નારણપુર, રૂમકીતળાવ, વેલ્દાટાંકી, નિઝર અને કુકરમુંડા આ તમામ સ્થળોએ રથ પરિભ્રમણ કરી તાપી જિલ્લામાંથી રથ તા.૧૨ નવે.ના રોજ વિદાય લેશે.
આ બેઠક દરમિયાન જિલ્લા સ્તરે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમોની રૂપરેખા પણ રજૂ કરવામાં આવી હતી. તાલુકાકક્ષાએ સેવસેતુ વિવિધ સેવાઓ, નાગરિક દસ્તાવેજીકરણ અને યોજનાઓના લાભાર્થીઓને સહાયરૂપ બનવા માટે ગૌરવ રથ યાત્રાની સમાંતર સેવા સેતુ કેમ્પો પણ યોજાશે. જેમાં પીએમજેવાય કાર્ડ, સિકલસેલ સ્ક્રીનીંગ, યોજનાકીય લાભો, સ્વચ્છતા શપથ, આંખોનું ચેકઅપ, હિમોગ્લોબીન, બ્લડ ચેકઅપ, પ્રાકૃતિક ખેતીના સ્ટોલ તેમજ અન્ય લાભ વિતરણ કરવામાં આવનાર છે.
આગામી તા. ૯ નવેમ્બર ના રોજ ડોલવણના રેફરલ હોસ્પિટલની બાજુમાં આવેલ મેદાન ખાતે, જેસીંગપુરા બજાર ખાતે, વ્યારા મિશન નાકા પાસે તેમજ ૧૦ નવેમ્બરના રોજ સોનગઢ નગરપાલિકાનો સેવા સેતુ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે, ભાડભૂંજા હાઈવે નજીક, નારાણપુર ગામ નજીક હાઈવે, તેમજ ઉચ્છલ તાલુકામાં તાલુકા પંચાયત ઉચ્છલ તથા નિઝર તાલુકાના સાયલા ગ્રુપ ગ્રામ પંચાયત રૂમકીતળાવ ખાતે તેમજ કુકરમુંડામાં ફૂલવાડી ગ્રામપંચાયત ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાવાનો છે. તા.૧૩ નવે.ના રોજ વ્યારા ખાતે ભગવાન બિરસા મુંડાની આકૃતિ વાળી હ્યુમન ચેન બનાવવાની ઇવેન્ટ યોજાશે.
અધિક નિવાસી કલેકટર આર.આર.બોરડે તમામ વિભાગોને આ સેવા સેતુ કાર્યક્રમોને સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂરી સ્ટાફની હાજરી, કાઉન્ટરની ગોઠવણ, નાગરિક સુવિધાઓ અને સેવા-વિતરણની વ્યવસ્થા સુનિશ્ચિત રાખવા સૂચન આપી છે.
જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગ રૂપે વિવિધ વિસ્તારોના ૧૦ જેટલા સ્થળોએ વિશાળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમમાં વધુમાં વધુ નાગરિકો જોડાવા અને કાર્યક્રમ દરમિયાન યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ, આરોગ્ય કેમ્પ જેવી વિવિધ સેવાનો લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
૦૦૦૦