મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ટોકરવા ગામે નુકસાનગ્રસ્ત પાકની સ્થિતિનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો
આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષા મંત્રીશ્રી ડો.જયરામભાઈ ગામીત, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પૂર્વ પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા સહિત પદાધિકારીઓએ કમોસમી વરસાદથી ડાંગરના પાકના ક્ષતિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીઓએ મહિલા ખેડૂતના ખેતરની મુલાકાત લઈ પાકમાં થયેલ નુકશાન અંગેની વિગત મેળવી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને હંમેશા મદદરૂપ થવા કટીબધ્ધ છે.
મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ટોકરવા ચૌક ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા,પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ,સહિત તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓને,ટોકરવા ગામના સભ્યશ્રીઓ,આગેવાનો,ગ્રામજનો મોટી સખ્યાંમાં ઉપસ્થિત રહ્યા હતા.



