જાગૃતિ રેલી યોજાઈ, શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું બહુમાન કરાયું
વ્યારા ખાતે જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત DISHA-DAPCU તાપી દ્વારા આ કાર્યક્રમનું આયોજન ગત તા. ૦૧ ડિસેમ્બરના રોજ વ્યારા સ્થિત જનરલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ART સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
આ વર્ષની થીમ “વિક્ષેપોને પાર કરીને, એઇડ્સ પ્રતિભાવને રૂપાંતરિત કરવો” (Overcoming Disruption, Transforming the AIDS Response) ને કેન્દ્રમાં રાખીને, તાપી જિલ્લામાં HIV/AIDS મહામારી સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી એક જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઇંદુ નર્સિંગ કોલેજ, બાજીપુરા નર્સિંગ કોલેજ અને જનક હોસ્પિટલ નર્સિંગ કોલેજ દ્વારા પોસ્ટર પ્રદર્શની તેમજ એચ.આઇ.વી./એડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે, એઇડ્સ નિયંત્રણ અને જાગૃતિ ક્ષેત્રે વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાના ભાગીદારો, આરોગ્ય કર્મચારીઓ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બહુમાન કરાયું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીઓ અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે HIV/AIDS અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ નિયમિત સારવાર અને તપાસ માટે લોકોને પ્રેરિત કરવા પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોમાં ડૉ. ડી. સી. ગામીત (CDMO), ડૉ. રાજુભાઇ ચૌધરી (DTHO), ડૉ. ચિરાગ ઘોઘારી (નોડલ ઓફિસર, ART સેન્ટર), ડૉ. ટ્વિંકલ પટેલ (સાયકિયાટ્રિસ્ટ), ડૉ. નીરવ ગામીત (મેડિકલ ઓફિસર, ART સેન્ટર), અને ડૉ. અભિષેક ચૌધરી (મેડિકલ ઓફિસર, DTC) સામેલ હતા. ઉપરાંત ART સ્ટાફ, DTC સ્ટાફ, જિલ્લાના તમામ ICTC કાઉન્સેલર, STI કાઉન્સેલર, PPTCT કાઉન્સેલર અને CSC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ જાગૃતિ અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા.



