જળ વાટિકા ગાર્ડન અને ડમ્પ સાઈટ સહિત વિવિધ સ્થળોની વિઝિટ લઈ વ્યારા નગરપાલિકાની કામગીરીને બિરદાવી
સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવ ઓમ મિશ્રા તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તાપી જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. તેમણે વ્યારા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલી વિવિધ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન તેમણે સ્વામી વિવેકાનંદ રિવર ફ્રન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, એસબીએમ ૨.૦ ની ફાળવેલ ગ્રાન્ટમાંથી વિકસાવવામાં આવેલ ડમ્પ સાઇટ સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. ઉપરાંત, જલવાટિકા ગાર્ડનની મુલાકાત તેમજ ગાર્ડન પરિસરની બહાર સુલભ શૌચાલયની સ્વચ્છતાનું પણ જાત નીરિક્ષણ કર્યુ હતુ.
કામગીરીની સમીક્ષા બાદ શ્રી મિશ્રાએ અધિકારીઓને જરૂરી સૂચનો આપતાં જણાવ્યું હતું કે, વ્યારા નગરપાલિકામાં સ્વચ્છતા સંબંધિત કામગીરી ખૂબ જ આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે થઈ છે. તેમણે નગરજનોના સહકારની પ્રશંસા કરી આભાર માન્યો હતો અને કહ્યું કે, સ્વચ્છ ભારત મિશન હવે જનભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થયું છે.
વધુમાં તેમણે, જાહેર સ્થળોએ સ્વચ્છતાલક્ષી પ્રચાર-પ્રસાર, આઈઈસી પ્રવૃત્તિઓ તેમજ સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ થકી લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવી એક આદર્શ સમાજની રચના કરી અસરકારક કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ તકે વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રિતેષભાઈ ઉપાધ્યાય, કારોબારી ચેરમેનશ્રી દિલીપભાઈ જાદવ, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી પરેશભાઈ મિઠાવાળા તથા ચીફ ઓફિસર કું વંદનાબેન ડોબરિયાની ઉપસ્થિતિમાં આ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.



