તા.૦૯ થી ૧૧ નવેમ્બર તાપી જિલ્લામાં ફરશે જનજાતિય ગૌરવ રથ
માહિતી બ્યૂરો તાપી તા.૦૪
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને નિમિત્તે રાજ્ય સરકારે તા.૧ થી ૧૫ નવેમ્બર સુધી “જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ” અંતર્ગત જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી તથા જનજાતિય ગૌરવ રથયાત્રાનું રાજ્યવ્યાપી આયોજન કર્યું છે. આ અનુસંધાને તાપી જિલ્લાના કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન તાપી જિલ્લામાં યોજાનારી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથયાત્રાના રૂટ, વિવિધ કાર્યક્રમો અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર રૂપરેખા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં કુલ ૨૬ સ્થળે આ રથયાત્રા પહોંચવાની હોવાથી તેને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ સુમેળભર્યું આયોજન અંગે સૂચનો કરાયા હતા.
તા.૦૯ નવેમ્બરે રથ ડોલવણ, જેસિંગપુરા અને વ્યારા પહોંચશે.તા.૧૦ નવેમ્બરે સાવરે વ્યારાથી સોનગઢ,ભડભૂંજા, ઉચ્છલ,નારણપુર,સાકરદા,રૂમકીતળાવ,વેલ્દા ટાંકી અને તા. ૧૧ નવેમ્બરે સવારે રથ કુકરમુંડા માટે જવા રવાના થશે.
આ પ્રસંગે કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે જણાવ્યું કે જનજાતિય ગૌરવ દિવસ માત્ર ઉજવણી નહીં પરંતુ આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને પરંપરાને જનમાનસ સુધી પહોંચાડવાનો મહત્વનો અવસર છે. તેમણે જિલ્લા તંત્રને રથયાત્રાના રૂટ પર સુરક્ષા, ટ્રાફિક મેનેજમેન્ટ અને જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા,દરેક સ્થળે સ્થાનિક નાગરિકોની ભાગીદારી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન,તમામ વિભાગો અને તાલુકા અધિકારીઓએ સમયસર હાજરી, સંકલન અને કાર્યની મોનીટરીંગ કરવા સૂચનો આપ્યા હતા.તમામ અધિકારીઓને સંવેદનશીલતા, જવાબદારી અને સંકલન સાથે કાર્ય કરી આ કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલીયા,પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોર, અધિક નિવાસી કલેકટર આર.આર.બોરડ સહિત ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.

